બાંદામાં વીજળી (Thunder Stroke)પડવાથી 4 લોકોના મોત થયા છે. તો ફતેહપુરમાં બે અને બલરામપુર, ચંદૌલી, બુલંદશહર, રાયબરેલી, અમેઠી, કૌશામ્બી, સુલતાનપુર અને ચિત્રકૂટ જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે.

આ ચોમાસાની સિઝનમાં જ્યાં વરસાદે ગરમીથી રાહત આપી છે ત્યારે કેટલાક રાજ્યોમાં વરસાદે આફતનું રૂપ ધારણ કર્યું છે. ક્યાંક પૂર છે તો ક્યાંક વીજળી પડવાથી લોકોના મોત થઈ રહ્યા છે. તાજો મામલો ઉત્તર પ્રદેશનો છે. અહીંના જુદા જુદા જિલ્લામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે 16 લોકો દાઝી ગયા છે. આ ઘટનાઓ બાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાના આર્થિક વળતરની જાહેરાત કરી છે.

બાંદામાં સૌથી વધુ ચાર લોકોના મોત

રાજ્યના રાહત કમિશનરની કચેરીમાંથી મળેલી માહિતી અનુસાર રાજ્યમાં વીજળી પડવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 14 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાંદામાં સૌથી વધુ ચાર લોકોના મોત થયા છે. આ સિવાય ફતેહપુરમાં બે અને બલરામપુર, ચંદૌલી, બુલંદશહર, રાયબરેલી, અમેઠી, કૌશામ્બી, સુલતાનપુર અને ચિત્રકૂટ જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે. મળતી માહિતી મુજબ, વિવિધ જિલ્લામાં વીજળી પડવાથી 16 લોકો ઘાયલ પણ થયા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને સૂચના આપી

રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વીજળી પડવાથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને સંબંધિત જિલ્લા અધિકારીઓને મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે આ કુદરતી આફતથી પ્રભાવિત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે. આદિત્યનાથે વીજળી પડવાની ઘટનામાં ઘાયલ થયેલા લોકોની યોગ્ય સારવાર માટે પણ સૂચના આપી છે.


ઉલ્લેખનીય છે કે લગભગ એક મહિના સુધી ચોમાસાની ઉદાસીનતા બાદ બુધવારથી સમગ્ર રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેનાથી લોકોને ભારે ગરમી અને બફારામાંથી રાહત મળી છે.