પાલનપુરના કેમ્પસમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. બંને મિત્રો કોમ્પલેક્સ ત્રીજા માળેથી પડી ગયા હતા. એક મિત્ર મૃત્યુ પામ્યો. જ્યારે અન્ય એક મિત્રને ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

સીસીટીવી વીડિયોમાં જોઈએ તો એક મિત્ર કોમ્પ્લેક્સની રેલિંગ પર બેઠેલો છે જ્યારે અન્ય બીજો મિત્ર તેની સાથે મસ્તી કરવા જતાં બંનેએ નીચે લટકી જતાં બંને ત્રણ માળની કોમ્પ્લેક્સ પરથી નીચે પટકાયા હતા જેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મળેલ માહિતી અનુસાર પાટણમાં રહેતા ચાર મિત્રો બર્થડે ઉજવવા માટે માઉન્ટ આબુ ગયા હતા. આબુથી પરત ફરતી વખતે ફ્રેશ થવા માટે આ મિત્રો પાલનપુર ખાતે રોકાયા હતા. ત્યારે પાલનપુરમાં આવેલા આર્કેડ કોમ્પલેક્સના બીજા માળે ગયા હતા. આ દરમિયાન એક મિત્ર બીજા માળે લગાવવામાં આવેલી લોખંડની ગ્રીલ પર બેસેલો હતો. ત્યારે બીજો મિત્ર આવ્યો અને મસ્તીમાં તેને બાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગ્રીલ પરથી હાથ છટકી જતા બંને મિત્રો બીજા માળેથી નીચે પટકાયા હતા. જે બાદ બંને મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

બંને મિત્રોને તાત્કાલિક પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હાર્દિકભાઈ રમેશભાઈ ઠક્કરનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જે બાદ તેના મૃતદેહને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અન્ય મિત્ર નિકેશ દેસાઈ હાલ સારવાર હેઠળ છે. મહત્વનું છે કે, પાટણમાં રેડીમેડ કપડાંનો વ્યવસાય કરતો હાર્દિક ઠક્કર મિત્રો સાથે માઉન્ટ આબુ ખાતે બર્થડે ઉજવવા માટે ગયો હતો.

માઉન્ટ આબુ ખાતે બર્થડે ઉજવીને પરત ફરતી વખતે તેઓ પાલનપુરના એક કોમ્પલેક્સમાં ફ્રેશ થવા માટે રોકાયા ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ હતી. જે બાદ હાર્દિક ઠક્કરનું મોત નીપજ્યું હતું. દીકરાના મોત બાદ પરિવારમાં પણ માતમ છવાયો હતો. બનાવની જાણ થતા પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે પણ પરિવારના નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.